એકવાર સ્વામી
વિવેકાનંદે વ્યંગપૂર્વક કહ્યું હતું : ‘જો ગઈ કાલે
જન્મેલું બાળક કાલે જ મરી જવાનું હોય અને તે મારી પાસે આવીને મને મારી પોતાની બધી
યોજનાઓને બદલી નાખવાનું કહે; અને જો હું એ
બાળકની સલાહ પ્રમાણે ચાલીને એના વિચારો પ્રમાણે હું મારા બધા પરિવેશને બદલી નાખું
તો એ બીજા કોઈની નહિ
પણ મારી જ મૂર્ખતા ગણાશે. વિભિન્ન
દેશોમાંથી આપણી પાસે પહોંચનારી મોટા ભાગની સલાહ આવી જ છે. એ બધા
જ્ઞાનદંભીઓને આમ કહી દો: ‘જ્યારે તમે
પોતે સ્થિર સમાજ બનાવી લેશો ત્યારે હું તમારી વાત માનીશ. તમે એક વિચારને બે દિવસ
માટે પણ પકડીને રહી શકતા નથી, ઝઘડતા રહો છો
અને નિષ્ફળતાને વરો છો; વસંતકાળે પેદા
થનારા કીડાની જેમ જન્મો છો અને એ કીડાની જેમ પાંચ મિનિટમાં મરી જાઓ છો; પાણીના
પરપોટાની જેમ ઉદ્દ્ભવો છો અને એમની જેમ જ સમાપ્ત થઇ જાઓ છો. પહેલાં અમારી
જેમ એક સ્થિર સમાજનું નિર્માણ કરો; જેમની શક્તિ
સદીઓ સુધી ક્ષીણ ન થાય એવાં નિયમ અને સંસ્થાઓ પહેલાં રચો. ત્યારે જ તમારી
સાથે આ વિષય પર વાત કરવાનો સમય આવશે, અત્યારે મિત્ર
! તમે તો માત્ર
એક અંજાઈ જતા બાળક માત્ર છો.
સૌથી ખરાબ વાત એ છે કે સશક્ત, સમૃદ્ધ પશ્ચિમને જોઇને ક્યારેક
ક્યારેક આપણે પોતે પણ અંજાઈ જઈએ છીએ. હીનતાથી પ્રેરાઈને આપણે ઉતાવળમાં એમના
સામાજિક માળખાના ગુણોને કંઈક વધારે પડતું મહત્વ કે મૂલ્ય આપી દેવા મંડીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે પોતાના
ક્ષેત્રમાં એમણે જે પ્રગતિ કરી છે, એનો પોતાના ભાવિ અનુભવોની
દ્રષ્ટિએ એ પોતે જ ત્યાગ કરી દે એવી આવશ્યકતા છે. વળી, પાશ્ચાત્ય સભ્યતાના આંખને આંજી
દે તેવા તેજમાં આપણો સમાજ આધાયાત્મિક આદર્શોની નક્કર ભૂમિ પર ઊભો છે અને જેની
શોધના હજારો વર્ષની ધૈર્યપૂર્વકની ખોજ પછી થઇ શકી છે એ સત્યને આપણે જોયું ન જોયું
કરીએ છીએ. આપણે પાશ્ચાત્ય લોકોની ધૂન પર
શા માટે ઉન્નત કે અવનત બનીએ ? ઊલટાનું શું આપણે પોતે જ
પોતાના ભાવ અને આદર્શની આવશ્યકતાને નજર સમક્ષ રાખીને એને અનુરૂપ પોતાનો માર્ગ
નિર્ધારિત કરી ન લેવો જોઈએ ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો